દાન વિષે – (૨૦) – (૫૯૯ – ૬૧૨)

દાન  વિષે – (૨૦) (૫૯૯ – ૬૧૨)

(૫૯૯) કહે કબીર કમાલકો, દો બાતાં શીખ લે,

કર સાહેબ કી બંદગી, ઓર ભુખે કો કછુ દે.

કબીરજી તેમના પાલક પુત્ર કમાલને કહે છે કે તારા જીવનમાં આ બે વાત શીખી લઈ તે પ્રમાણે વર્તજે. તે એ કે તું પરમાત્માને હમેશ યાદ કરજે અને થઈ શકે તેટલું ભુખ્યા માણસને ખાવાનું આપજે.

(૬૦૦) હાડ બઢા હરિ ભજન કર, દ્રવ્ય બઢા કછુ દેય,

અક્કલ બઢી ઉપકાર કર, જીવનકા ફળ યેહ.

હાડ કહેતાં તારી ઉમ્મર વધતી જાય, તેમ તેમ તું હરિ એટલે પરમાત્માના ધ્યાનમાં તારો સમય વધારે ગાળ. નસીબ જોગે ધન વધે, તો આપવા લાયકને આપજે, તારી પાસે આત્મજ્ઞાન હોય, તો તેને લાયક હોય, તેના પર ઉપકાર કરી બતાવજે. એ જ જીવ્યાનું ખરૂં ફળ છે.

(૬૦૧) ગાંઠી હોય સો હાથ પર, હાથ હોય સો દે,

આગે હાડ ન બાનિયા, લેના હોય સો લે.

ભાગ્યના જોરે જે ધન મળતું છે તે ભેગું કરી, તેનો ઉપયોગ જરૂરત વાળાને આપવામાં કરશે તો તે ધન કમાવા માટે વાણીયાની બજાર મળવાની નથી. કે જ્યાં તું ધન ભેગું કરી શકશે?

(૬૦૨) ખાય પી ખીલાય દે, કરલે અપનાં કામ,

ચલતી વખત રે નરો, સંગ ન ચલે બદામ.

તારી પાસે જે ધન દોલત છે, તેમાંથી તું પણ ખાય ધરાય બીજાને પણ ખવડાવી, તારે કરવા જેવા સદકાર્ય કરી લેજે. કારણ મરતી વખતે સાથે એક બદામ પણ તારી સાથે આવવાની નથી. અને નરવા નકોર જવું પડશે.

(૬૦૩) ધર્મ કીયે ધન ના ઘટે, નદી ન સંચે નીર,

અપની આંખે દેખીયે, યું કહે દાસ કબીર.

કબીર દાસ કહે છે કે જેમ નદી પાણીનો સંગ્રહ કરતી નથી, પણ કાયમ વહેતી જ રહે છે. તેમ તારે ગરીબોને મદદ કરવા જેવા કામમાં ધન વાપરવાથી, તારૂં ધન ઘટવાનું નથી. તું ભેદભાવ છોડી બીજાઓને તારી અંદરની આંખોથી જોતાં શીખ.

(૬૦૪) ભીખ તીન પ્રકાર કી, સુનો સંત ચિત્ત લાય,

દાસ કબીર પ્રગટ કહે, ભીન્ન ભીન્ન અર્થાય.

કબીરદાસજી કહે છે કે ભીખ જુદા જુદા પ્રકારની હોય છે. તેમાંના ખાસ ત્રણ પ્રકાર છે, તે ચિત્ત દઈને સાંભળો.

(૬૦૫) અણ માગ્યા ઉત્તમ કહીયે, મધ્યમ માગી જો લેય,

કહે કબીર કનીષ્ટ સો, પર ઘર ધરના દેય.

ભીક્ષા વણ માંગી મળે તે ઉત્તમ છે. જે પોતાના માટે માંગીને ભીક્ષા મેળવે છે તે મધ્યમ છે. કબીરજી કહે જે પરાયા ઘરે ધારણા એટલે તેને પજવી ભીક્ષા માંગે છે, તે કનિષ્ઠ છે.

(૬૦૬) માંગન મરણ સમાન હય, મત કોઈ માંગો ભીખ,

માંગને સે મરના ભલા, એહી સદગુરૂ કી શીખ.

સદગુરૂની શિખામણ છે કે માંગવું એ મરણ સમાન છે. માટે કોઈ ભીખ માંગશો નહીં. ભીખ માંગવા કરતાં મરવું સારૂં છે.

(૬૦૭) મરૂં પણ માંગું નહી, અપને તનકે કાજ,

પરમારથ કે કારણે, માગન ન આવે લાજ.

હું મારા શરીરની જરૂરત માટે, મરી જઈશ પણ ભીખ માંગીશ નહીં. પરંતુ પરમાર્થ એટલે કોઈનું ભલું થતું હોય, તે માટે માંગવાની મને લાજ કે શરમ કદી પણ નહીં આવે.

(૬૦૮) સહેજ દીયા સો દુધ બરાબર, માંગ લીયા સો પાની,

ખીંચ લીયા સો રક્ત બરાબર, એહી કબીરા બાની.

કબીરરજી કહે છે! કે જે સહેજે આપે એટલે મનમાં કોઈ પણ જાતનાં વિચારોની ખેંચતાણ વગર ફક્ત આપવા માટે જ આપી દે, તે દુધ બરાબર છે. માંગીને લેવું તે પાણી સમાન છે. પરંતુ કોઈ પાસેથી કાવાદાવા વડે કે બળજબરીથી પડાવી લેવું, તે લોહી પીધા બરાબર છે.

(૬૦૯) ભુખેકો કછુ દીજીયે, યથા શક્તિ જો હોય,

તા ઉપર શીતલ વચન, લખો આત્મા સોય.

ભુખ્યાને તારી શક્તિ મુજબ થાય તેટલું ખાવાનું આપજે, અને ઉપરથી તેના મનને શાંતિ થાય તેવી વાત કરજે. ત્યારે જ તેં તારા આત્માને ઓળખ્યો હોય તેટલું સુખ તને મળશે.

(૬૧૦) જહાં દયા વહાં ધર્મ, જહાં લોભ વહાં પાપ,

જહાં ક્રોધ વહાં કાળ, જહાં ક્ષમા વહાં આપ.

જ્યાં અને જ્યારે લોભ કરશે ત્યારે તું પાપમાં પડશે, અને તે કામનાના લોભથી ક્રોધ કરશે ત્યારે સમજજે કે તું મૃત્યુના મુખમાં ગયો છે. પણ જ્યાં અને જ્યારે તું દયા કરશે ત્યારે તેં ધર્મ એટલે મનુષ્ય તરીકેની તારી ફરજ બજાવી છે. એનાથી આગળ વધી તું કોઈને ક્ષમા આપશે અર્થાત્ તું ખમી લેતા શીખી જશે, તે વખતે તું તારો સાચો આપ જે પરમાત્મા છે તેને પારખી શકશે.

(૬૧૧) કુંજર મુખસે કન ગીરો, ખુટો ન વા કો આહાર,

કીડી કન લે ચલી, પોષણ દેઈ પરિવાર.

જેમ હાથીના મોંમાંથી જે કણો પડી જાય છે, તેનાથી તેનો ખાવાનો ખોરાક ઘટી જવાનો નથી. તે વેરાયેલા કણો કીડીઓ ઉપાડી જઈ તેઓના આખા પરિવારને પોષશે. તેમ ધનવાન જો પોતાના ધનમાંથી થોડું ધન ગરીબોને મદદ રૂપે આપી દે, તો તે થકી તેનું ધન ઓછું થઈ જવાનું નથી. ઉલટું તેનાથી ગરીબોનાં પરિવારનું પોષણ થઈ શકે.

(૬૧૨) દાતા દાતા ચલ ગયે, રહ ગયે મખ્ખીચુર,

દાન માન સમજે નહી, લડને મેં મજબુર.

જે દાન આપવા વાળા પરમાર્થી હતા, તે બધા ચાલી જઈ પરમાત્મા ભેગા થઈ ગયા. અને લુચ્ચા મખ્ખીચુસો આ જનમ મરણના ફેરામાં ફરતા રહી ગયા. એ લોકોને આપવા લાયક દાન કે માન શું વસ્તુ છે, તેની સમજ નથી. ઉલટાનો એવાઓનો સ્વભાવ જ એવો થઈ ગયો છે, કે તેનાથી લોકો સાથે લડવા ઝઘડવા વગર રહી શકાતું નથી.

Leave a comment