સતસંગ વિષે – (૧૦) – (૩૨૭ – ૩૬૩)

                   

સતસંગ  વિષે – (૧૦) (૩૨૭ – ૩૬૩)

(૩૨૭)      સંત સમાગમ પરમ સુખ, આન અલ્પ સુખ કછુ ઓર,

   માન સરોવર હંસ હય, બગલા ઠોરે ઠોર.

સંત સમાગમમાં જે સુખ મળે છે, તે આ દુનિયાનાં અલ્પ એટલે થોડો વખત ટકતા સુખો તે પરમસુખ આગળ કોઈ વિસાતમાં નથી. બાકી બગલા બગભગતો તો ઠેરો ઠેર જોવા મળશે, પણ પરમ હંસ તો જ્ઞાનનાં માનસરોવર આગળ જોવા મળશે.

(૩૨૮)      ચંદન જૈસા સંત હય, સર્પ જૈસા સંસાર,

     અંગહિસે લપટા રહે, પર છાંડે નહિં બિકાર.

સાધુ સંતો ચંદન જેવા છે, જેમ ચંદનની સુવાસ દૂરથી આવે છે, તેમ જે સાચા સંતો હોય છે, તેમને જો તું સાચે સાચ શોધતો હોય તને દૂરથી પણ તેની સમજ પડી જશે. અને સંસાર તો સર્પ જેવો છે. જેણે તેને પોતાના તનમનની સાથે વળગાડી રાખેલો છે, તેવાનાં જેમ સાપ ઝેર છોડે નહિં, તેમ તેના વિકારો છૂટતા નથી.

(૩૨૯)      સંત મિલે સુખ ઉપજે, દુષ્ટ મિલે દુઃખ હોય,

સેવા કિજે સંતકી, તો જનમ કૃતાર્થ સોય.

સંત પુરૂષના સંગથી સુખ ઉપજે છે. જ્યારે દુષ્ટની સંગતથી તે આપણને દુઃખમાં ધકેલે છે. માટે તું હમેશાં સંતની સેવા કરજે, તો તેમના થકી તારો જનમ સાર્થક થઈ જશે.

(૩૩૦)      મીઠી વહેરી સંતકી, જામેં શીર અપાર,

હરિરસ જહાં ખુટે નહિ, પિવે વારંવાર.

સંત પુરૂષ એ વહેરી એટલે પાણીની વાવ જેવા છે, જે પારવગરના અમૃતથી ભરેલી છે. તેમાંથી તમે વારંવાર રસ પીશો તો પણ તે હરિ અર્થાત્ પરમાત્માનો જ્ઞાનરસ ખુટવાનો નથી.

(૩૩૧)      હરિજન આવત દેખકે, ઉઠકે મિલિયે ધાય,

ન જાનું ઈસ વેશમેં, નારાયણ મિલ જાય.

હરિજન એટલે જ્ઞાની સાધુને આવતા જોઈને સામે દોડી જઈ તેમના ચરણે પડી તેમને મળવું જોઈએ. આપણને ખબર નથી કે તે વેશમાં જે હાલતા ચાલતા નારાયણ છે, એટલે જ્ઞાન સ્વરૂપ સદગુરૂ હોય તેનો તમને ભેટો થઈ જાય!

(૩૩૨)      હરિજન મિલે તો હરિ મિલે, મન પાય બિશ્વાસ,

હરિજન હરિકા રૂપ હય, જ્યું ફુલનમેં બાસ.

જ્ઞાની સંત પુરૂષ મળે તો જાણવું કે તને પરમાત્મા જ મળી ગયા, તેનો તારા મનમાં પાકો વિશ્વાસ બેસવો જોઈએ. કારણ જેમ ફુલની અંદર સુવાસ રહેલી છે, તેમ હરિજન જ્ઞાની સંત એ હરિ એટલે પરમાત્માનું સ્વરૂપ છે.

(૩૩૩) સંત મિલે તબ હરિ મિલે, કહિયે આદ ઓર અંત,

જો સંતનકો પરહરે, સો સદા તજે ભગવંત.

સંત પુરૂષ મળ્યા ત્યારે સમજવું કે તને પરમાત્મા જ મળ્યા છે. તેમની આગળ તારૂં દિલ ખોલી તારા જીવનની આદિથી અંત સુધીની વાત કરજે. જેથી તેઓ તારા દુઃખનું નિવારણ બતાવશે. પરંતુ જો તું સાધુ સંતોથી દૂર ભાગતો રહેશે, તો ભગવાન તને સદાને માટે છોડી દેશે.

(૩૩૪)  દર્શન પરસન સંતકા, કરતન કિજે કાંન,

  જ્યું ઉદ્યમ ત્યું લાભ હય, જ્યું આળસ ત્યું હાન.

સંત પુરૂષના દર્શન, તેમનો સ્પર્શ, તેમનાં વચનો ને તેમના કામો પર ધ્યાન આપી, જેટલા ઉત્સાહથી તેમના કામો પર ધ્યાન આપી, જેટલા ઉત્સાહથી તેમના જ્ઞાનના વચનો ધ્યાનથી સાંભળી તેને તનમન થકી વર્તનમાં ઉતારશે તેટલો તને લાભ થશે. અને તું જેટલી આળસ કરશે તેટલી જ તને હાનિ થશે.

(૩૩૫) એક ઘડી આધી ઘડી, આધી ઉુનમેં આધ,

 સંગત કરીયે સંતકી, તો કટે કોટ અપરાધ.

એક ઘડી અર્થાત્ ત્રણ કલાક, તેમ ન બની શકે તો અર્ધી ઘડી. તેમ પણ ન થઈ શકે તો અર્ધાની અર્ધી ઘડી એટલે ફક્ત ૩/ કલાક પણ જો તું સંતપુરૂષની સંગત કરશે તો તારાં કરેલાં કોટી અપરાધો એટલે કે તેં કરેલાં પાપો નાશ પામશે.

(૩૩૬) સાધુ નદી જલ પ્રેમરસ, તહાં પછાડો અંગ,

     કહે કબીર નિર્મળ ભયે, સાધુ જનકે સંગ.

કબીરજી કહે! સાધુ એ પ્રેમના રસથી ભરેલી નદી છે, તેમનાં ચરણમાં તારૂં અંગ પછાડજે એટલે કે તેમનાં ચરણમાં તારા માથામાં મારૂં મારાંનો અહંભાવ ભરેલો છે તેને છોડી દેજે. કારણ કે તેવા સાધુના સંગથી તું નિર્મળ થઈ જઈશ.

(૩૩૭) જા પલ દર્શન સંતકા, તા પલકિ બલિહારી,

     સતનામ રસનાં બસેં, લિજૈ જન્મ સુધાર.

જે ક્ષણે સંતપુરૂષના દર્શન થાય તે ક્ષણની બલિહારી છે. જો તેમના સતસંગથી તારી જીભ ઉપર સતનામ વસી જાય તો તેનાથી તારો જન્મ સુધારી લેજે.

(૩૩૮) દરશન કરના સંતકા, દિનમેં કઈક બાર,

       ચોમાસાકા મેઘ જ્યું, બહોત કરે ઉપકાર.

સાધુસંતના દર્શન દિવસમાં ઘણીવાર કરવા, તેમનો સંગ દિવસમાં થાય તેટલી વાર કરવો જોઈએ. જેમ ચોમાસાના વરસાદથી ઝાડપાન અને પ્રાણીમાત્ર પર ઉપકાર થાય છે. તેમ સંતલોકોનાં સમાગમથી મનુષ્યો ઉપર ઉપકાર થાય છે.

(૩૩૯) જીવન જોબન રાજમદ, અવિચલ રહા ન કોય,

     જા દિન જાય સતસંગમેં, જીવનકા ફલ સોય.

જીવનનો, જોબનનો અને રાજનો અગર ધનવૈભવો મદ કદી પણ અવિચલ નથી, એટલે કે નાશને પાત્ર છે. પરંતુ જે દિવસથી તારૂં જીવન સતસંગમાં વિતશે, તે દિવસથી તને જીવનનું અવિચલ ફળ પ્રાપ્ત થશે.

(૩૪૦) રામ મિલનકે કારને, મોં મન ખડા ઉદાસ,

સત્ સંગતમેં શોધ લે, રામ ઉનોકે પાસ.

રામને મેળવવા માટે મારૂં મન ઉદાસ રહેતું હતું. તેથી તું સદગુરૂ જેવા સંત શોધી સતસંગ કરજે. રામ તને તેમની પાસેથી મળશે.

(૩૪૧) પરબત પરબત મેં ફિરા, કારન અપને રામ,

રામ સરિખા જન મિલા, તિને સરિયા કામ.

રામને મળવા ખાતર હું પરવત પર પહાડોમાં ફરી વળ્યો. પણ જ્યારે રામ-પરમાત્મા સરખા સંતસદગુરૂ મળ્યા ત્યારે મારૂં કામ થઈ ગયું.

(૩૪૨) કરિયે નિત સતસંગકુ, બાધા સકલ મિટાય,

     ઐસા અવસર ના મિલા, દુર્લભ નર તન પાય.

તારે હરહંમેશ સંત અર્થાત્ સદગુરૂનો સતસંગ કરવો જોઈયે, કે જેનાથી તારા બધા બંધનો છૂટી જશે, અને તું સાચે સાચ મુક્ત થઈ જઈશ. આ ફરી ફરી મળવું મુશ્કેલ, એવું મનુષ્યનું શરીર મેળવ્યા પછી આ સતસંગ કરવાનો અવસર ફરી કદિ પણ મળશે નહિં. તેથી અત્યારથી જ ચેતી જા.

(૩૪૩) શરણે રાખો સાંઈયાં, પૂરો મનકી આશ,

    ઓર ન મેરે ચાહિયે, સંત મિલનકી આશ.

હે પરમાત્મા તું મને તારા શરણમાં રાખી, મને સંત પુરૂષને મળવાની જે તરસ એટલે કે લેહ લાગી છે, તે મારા મનની આશા પુરી કરજે. બીજું કશું પણ મને જોઈતું નથી.

(૩૪૪) કલયુગમેં એક નામ હય, દુજા સરૂપ હય સંત,

    સાચે મનસે સેવિયે, તો મિટે કરમ અનંત.

કળિયુગમાં એક પરમાત્માનું નામ સ્મરણ કરવું અને બીજું સંત પુરૂષ એ પરમાત્માનું સ્વરૂપ છે, તેમને સેવવાથી એટલે કે તેમનો સતસંગ કરવાથી તારાં જે અનંત કર્મો છે તે મટી જશે.

(૩૪૫) મથુરા ભાવે દ્વારકા, ભાવે જા જગન્નાથ,

   સત સંગત હરિભક્તિ બિના, કછુ ન આવે કામ.

મથુરા કે દ્વારકા જવાનું મન કરશે કે પછી જગન્નાથને મંદિરે જવાની મરજી કરી ત્યાં જશે. પરંતુ જ્યાં સુધી સંત પુરૂષનો સતસંગ થકી પરમાત્મા માટે ભક્તિ નહિં ઉપજે, ત્યાં સુધી ગમે ત્યાં જશે, તો પણ તારા હાથમાં કશું આવવાનું નથી. એટલે કે આ જીવન વ્યર્થ જશે.

(૩૪૬) સંત જહાં સુમરન સદા, આઠો પહોર અભૂલ,

ભર ભર પિવે રામરસ, પ્રેમ પિલાયા કુલ.

જ્યાં સંત મહાત્મા હોય ત્યાં સદા પરમાત્માનું સ્મરણ ચાલુ હોય છે. તેવા સંતની, કદી પણ ભૂલ્યા વગર તેમની સ્મરણ સમાધિ, ચોવિસ કલાક ચાલુ જ હોય છે. ત્યાં તેમની પાસે જઈ રામરસ ધરાઈ ધરાઈને પીવો, જેનાથી તારૂં આખું કુળ તે રસથી પ્રેમમય થઈ જશે.

(૩૪૭) ફુટા મન બદલાય દે, સાધુ બડે સોનાર,

    તુટી હોવે રામસે, ફેર સંધાવન હાર.

સોની જેમ તુટેલાં ઘરેણાંને સાંધી દે છે. તેમ સાધુસંત આ દુન્યવી વિષયોમાં લપેટાઈ તુટી ફુટી ગયેલા મનને પાછું સમારી બદલી, પરમાત્મા રામથી છુટા થયેલા મનને, ફરી પાછું પરમાત્મા સાથે જોડી આપે છે.

(૩૪૮) ઈષ્ટ મિલે મન મિલે, મિલે સકલ રસ રીતી,

કહે કબીર તહાં જાઈએ, યેહ સંતનકી પ્રિતી.

કબીરજી કહે! સાધુસંત પર પ્રેમ રાખી સતસંગ કરવા વડે તમે ત્યાં પહોંચી જશો કે જ્યાં તમારૂં ઈષ્ટ એટલે પરમાત્મા છે. અને ત્યાં જ તમારૂં મન સ્થિર થઈ, તે જે સર્વનો રસરૂપ છે તેનું જ્ઞાન થશે.

(૩૪૯) કથા કિરતન કરનકી, જાકે નિશદિન રીતી,

કહે કબીર વા દાસસોં, નિશ્ચય કીજે પ્રિતી.

જેઓ રાત દિવસ કથા વાર્તા વડે પરમાત્માનાં ગુણ ગાન કરતા હોય. જેમનાં અંતઃકરણ હરહંમેશ રામમય હોય, તેવા સંત પર પ્રિતી રાખી સતસંગ કરવાનો નિશ્ચય કરજે.

(૩૫૦) કથા કિરતન રાતદિન, જાકે ઉદ્યમ યેહ,

   કહે કબીર તા સાધકે, ચરણ કમલકી ખેહ.

કબીરજી કહે! જેઓનો ઉદ્યમ રાત દિવસ રામ એટલે કે પરમાત્માનાં ગુણગાન અને ભજન કરવા એ જ હોય છે. તેવા સાધુઓની ચરણ કમલની રજ તમને મળશે. તો તેનાથી  પણ તમારૂં ભલું થશે.

(૩૫૧) કથા કિરતન છાંડકે, કરે જો ઓર ઉપાય,

   કહે કબીર તા સાધકે, પાસ કોઈ મત જાય.

કબીરજી કહે! જેઓ પરમાત્માનાં જ્ઞાનની વાતો અને તેનાં ગુણગાન છોડી બીજા જુદા જ ઉપાયો બતાવતા હોય તેવા કહેવાતા સાધુ નજીક તમે કદી જશો નહિં.

(૩૫૨) કામ કથા સુનિયે નહિ, સુનકે ઉપજે કામ,

   કહે કબીર બિચારકે, બિસર જાય હરિ નામ.

કબીરજી વિચારીને આ સાચી વાત કહે છે. કે તમારે કામકથા અર્થાત ઈંદ્રિયોના ભોગ અને લોભ લાલચની વાતો સાંભળવી નહિં. તેનાથી કામ વાસના ઉપજશે, જે થકી તમારામાં જે પરમાત્માનું જ્ઞાન ભાન છે, તે પણ જતું રહેશે.

(૩૫૩) કથા કિરતન સુનનકો, જો કોઈ કરે સ્નેહ,

  કહે કબીર તા દાસકો, મુક્તિમેં નહિં સંદેહ.

કબીરજી કહે! જે કોઈ સાધુસંતોનાં મુખથી પરમાત્માનાં જ્ઞાનનાં ગુણગાન સાંભળવામાં પ્રિતી રાખશે. તેવાની મુક્તિમાં કોઈ સંદેહ નથી.

(૩૫૪) રાજ દ્વાર ન જાઈએ, જો કોટિક મિલે હેમ,

 સુપચ ભગતકે જાઈએ, એ બિષ્ણુકા નેમ.

આ દેખવા પુરતા લોભમાં ફસાઈ કરોડોનું સોનું મળે તે માટે રાજ દરબારે એટલે કે તવંગરની પૂંઠ પકડીશ નહિં. તેના કરતા જે હરતા ફરતા વિષ્ણુ જેવા, ભલે નીચ જાતના હોવા છતાં મહાત્મા ભક્ત છે, તેમની પાસે જવું જોઈએ.

(૩૫૫) સંગત કિજે સાધકી, જ્યું ગાંધીકે પાસ,

    ગાંધી કછુ લે દે નહિં, તોઉ આવે વાસ સુવાસ.

જેમ ગાંધીની દુકાને બેસવાથી કંઈ પણ લેવાદેવા વિના તેની દુકાનની વાસ આપણને મળે છે. તેમ સાધુસંતની સંગત કરવાથી તેમના જ્ઞાનનો સતસંગ જરૂર મળે છે.

(૩૫૬) સંગત કિજે સાધકી, સાહેબ કિજે યાદ,

    સુકૃતકી વાહિ ઘડી, બાકી દિન બરબાદ.

તું સાધુસંતની સંગત કરજે. તેમનાથી તને પરમાત્માનું જ્ઞાન થશે. એજ તારા સત્કાર્યનું ફળ છે, બાકી તારી જીન્દગીના તારા દિવસો નકામા કામોમાં ગયા છે એમ સમજજે.

(૩૫૭) સંગત કિજે સંતકી, કદી ન નિર્ફળ હોય,

  લોહા પાસ પરસતે, સો ભી કંચન હોય.

સાધુસંતની સંગત કરજે, તેમનો સતસંગ કદી પણ નિષ્ફળ જતો નથી. જેમ લોખંડને પારસ અડાડતાં તે લોખંડ સોનું બની જાય છે. તેમ સતસંગ કરવાથી તું પણ મોહ મમતાથી છૂટી મુક્ત થશે.

(૩૫૮) સંગત કિજે સાધકી, કદી ના નિર્ફળ હોય,

ચંદન હોસી બાવલા, લીંબુ કહે ન કોય.

સાધુ પુરૂષની કરેલી સંગત એટલે કે સતસંગ કદી પણ નિષ્ફળ જવાનો નથી. તેમની સંગતથી તું બાવળના ઝાડ જેવો એટલે કે દુર્ગુણ વાળો હતો તે ચંદન જેવો શુદ્ધ થઈ જઈશ. પછી કોઈ પણ તને લીમડાના ઝાડ સરખો કડવો અર્થાત બુરા વિચારનો ગણાશે નહિં.

(૩૫૯) સંગત કિજે સંતકી, હરે સબકી બ્યાધ,

છી સંગત નીચકી, આઠો પહોર ઉપાધ.

સાધુસંત પુરૂષની જ સંગત કરજે, જે સર્વની વ્યાધીનું નિવારણ કરે છે. જ્યારે નીચ એટલે કુબુદ્ધિવાળાની થોડી ક્ષણની સંગત તને આઠે પહોરની ઉપાધીમાં મુકી દેશે.

(૩૬૦) સો દિન ગયા અકાજમેં, સંગત ભયિ ના સંત,

પ્રેમ બિના પશુ જીવના, ભાવ બિના ભટકંત.

સાધુસંતનો સતસંગ કર્યા વગર તારા જીવનનાં મુલ્યવાન દિવસો નકામા ચાલ્યા ગયા. અને એ સતસંગથી ઉપજતા સદભાવ વિના ભટકી જીવન વેડફી નાંખવું, તે સાચા પ્રેમ વગર પશુ સમાન જીવ્યા જેવું છે.

(૩૬૧) સંત મિલે તબ હરિ મિલે, યું સુખ મિલે ન કોય,

દર્શન તે દુર મન કરે, મન અતી નિર્મળ હોય.

સંત પુરૂષ મળી જાય ત્યારે જાણવું કે પરમાત્મા મળી ગયા. કારણ કે તેમના સતસંગથી જે સુખ પ્રાપ્ત થશે, તે સુખ કોઈ વસ્તુમાં તને મળશે નહિં. તેમના ફક્ત દર્શનથી તારી અશુદ્ધ બુદ્ધિ દૂર થશે અને તારૂં મન ઘણું જ પવિત્ર થશે.

(૩૬૨) હરિ મિલા તબ જાનિયે, દર્શન દેવે સંત,

મનસા વાચા કર્મણા, મિટે કરમ અનન્ત.

હરિ એટલે પરમાત્મા ત્યારે જ મળશે જ્યારે તને સંત પુરૂષનાં દર્શન થશે. કારણ કે તેમના સતસંગ થકી તેં મન-વાણી-કર્મ વડે કરેલાં અનંત કર્મોનો નાશ થશે.

(૩૬૩) પુષ્પમેં જ્યું બાસ હય, બ્યાપ રહા સબ માંહિ,

  સન્તો સોહિ પાઈયે, ઔર કહું કછું નાહિ.

કબીરજી કહે! જેમ ફુલમાંની વાસ બધે ફેલાય જાય છે, તેમ સંત મહાત્માની પવિત્રતા દૂર સુધી ફેલાય છે. તું તેથી એવા સંતને મેળવી લેજે, આનાથી વધારે હું તને કંઈ કહી શકું એમ નથી.

                   

Leave a comment