માયા વિષે – (૩) – (૧૦૪ – ૧૪૮)

 

                   

 

માયા વિષે – (૩) (૧૦૪ – ૧૪૮)

 

(૧૦૪) હરિકી ભક્તિ કર, તજ માયાકી ચોજ,

બેર બેર ન પાઈયે, મનખા જનમકી મોજ.

જે માયામાં તારૂં મન લપેટાયેલું છે, તેને ત્યાંથી ઉપાડી પરમાત્માની ભક્તિમાં જોડ, અર્થાત્ તેને મેળવવામાં તારા મનને જોડ. આ મનખા દેહ થકી તેને મેળવવાની જે મજા છે, તે દેહ તને વારે ઘડીએ મળવાનો નથી.

(૧૦૫) કબીર માયા પાપની, હરિસે કરે હરામ,

  મુખ કુડિયાલી કુમતકી, કહને ન દે રામ.

કબીરજી કહે! માયા પાપીણી એવી છે કે તે માનવીને હરિ તરફ જતાં રોકે છે. તે કાળા મોઢાની મનને બુરે રસ્તે લઈ જઈ, રામનું નમ પણ લેવા દેતી નથી.

(૧૦૬) મેં જાનું હરિકો મિલું, મોં મનમેં બડી આસ,

  હરિ બિચ પાડે આંતરા, માયા બડી પિચાસ.

હું મારા મનમાં ઘણી જ મોટી આશા રાખતો કે હું, હરિ એટલે પરમાત્માને મળીશ. પણ માયા ભૂતડી બહુજ મોટી પિચાસણ છે, તે જ્યારે હું તેના ધ્યાનમાં બેસું છું, ત્યારે તે આડો અંતર પાડી મારા મનને બીજી જ વસ્તુ તરફ ખેંચી જાય છે.

(૧૦૭) માયા માથે શિંગડા, લંબા નવ નવ હાથ,

  આગે મારે શિંગડા, પિછે મારે લાત.

માયાને માથે નવ નવ હાથ લાંબા શિંગડા છે, એટલે કે ત્રણ ગુણ, ત્રણ અવસ્થા અને ત્રણ તાપ એવા એના લાંબા શિંગડા એ આગળથી મારે છે. અને પાછળથી એ લાત મારે છે.

(૧૦૮) માયા તરવર ત્રિવિધકી, શોક દુઃખ સંતાપ,

શિતલતા સ્વપ્ને નહિં, ફલ ફીકો તન તાપ.

માયાનું ઝાડ ઉપર કહ્યું તેમ ત્રણ ત્રણ તરેહનું છે, એટલે કે તેના ત્રણ જાતનાં દુઃખો, આધી, વ્યાધિ અને ઉપાધી તને સતાવે છે. તેનાં ફળમાં દિલગીરી, દુઃખ ને બળાપો જ રહેલો છે, તે ફિક્કું અને તનમનને પણ દુઃખ આપે છે, તેનાથી માણસને સ્વપ્ને પણ શાંતિ નથી મળતી.

(૧૦૯) કબીર! માયા મોહિની, માંગી મિલે ન હાથ,

મન ઉતાર જુઠી કરે, તબ લગ ડોલે સાથ.

કબીરજી કહે! માયા મોહિની એટલે લલચાવનારી છે, તેને માંગવા (પકડવા) જતાં તે હાથ આવવાની નથી. એ તો જ્યાં સુધી આ માયા ભર્યા સંસાર ઉપરથી મન ઉઠે નહિં, એને તે જુઠી જણાશે નહિં ત્યાં સુધી તે જીવનો સાથ છોડતી નથી, એટલે કે સાથે જ રહેશે.

(૧૧૦) કબીર! માયા સાંપની, જન તાહિકો ત્રાય,

ઐસા મિલા ન ગારૂડી, પકડ પિંઠારે બાય.

કબીરજી કહે! માયા, સાપણ જેવી પોતાનાં બચ્ચાંને ખાય જાય છે, તેવી માયા માઈ તને ખાઈ જશે. કોઈ એવો ગારૂડી (સાપ પકડનાર) નથી પાક્યો કે જે એ માયા સાપણને પકડી તેનો નાશ કરે.

(૧૧૧) માયાકા સુખ ચાર દિન, ગ્રહે કહાં ગમાર,

  સુપને પાયા રાજ ધન, જાત ન લાગે વાર.

હે ગમાર, તું જે લોભ મોહમાં ફસાઈ માયાના સુખને પકડવા ચાહે છે તે ચાર દિન માંડ ટકશે. જેમ સ્વપ્ને મળેલું રાજ, પાટ, ધન વગેરેને ચાલી જતાં વાર નથી લાગતી, તેવું જ આ મોહ માયાનું છે.

 

(૧૧૨) કરક પડા મેદાનમેં, કુકર મિલે લખ કોટ,

   દાવા કર કર લડ મુંવે, અંત ચલે સબ છોડ.

મેદાનમાં હાડકાં પડેલા હોય, તેના પર લાખોં કુતરાં તૂટી પડી દરેક તેને મેળવવા દાવો કરી કરીને લડી મરે છે, અને અંતે તે વસ્તુને છોડી ચાલ્યા જાય છે. તેમજ માણસો પણ આ દુનિયાની માયાવી ચિજો માટે દુઃખી થઈ એક બીજા સાથે લડી ઝગડી મનદુઃખ ઉભા કરી અંતે તે બધું જ છોડી ચાલ્યા જાય છે.

(૧૧૩) હસ્તિ ચઢકર જો ફિરે, ચમર ચઢાય,

લોક કહે સુખ ભોગવે, રહે તો દોજખ માંય.

બહારથી લાગે કે રાજાની જેમ હાથી પર ચમ્મર ચત્ર ચઢાવી ઉપર બેસી ફરે છે. લોક સમજે કે ઘણું સુખ ભોગવી રહ્યો છે, પણ તે જાતે અંદરથી બહુ દોજખમાં રહેતો હોય છે તે પોતે જ જાણે છે.

(૧૧૪) રામહિ થોરા જાનકે, દુનિયા આગે દિન,

વોહ રંક કો રાજા કહે, માયા કે આધિન.

જે રામ પરમાત્મા વિષે થોડુંક જ જાણે છે, અને જે માયાને આધિન છે, તેવાઓ દુનિયા આગળ ગરીબાઈ બતાવી, જેઓ રંક છે તેને રાજા સમજે છે.

(૧૧૫) માયા ઐસી શંખની, સામી મારે શોધ,

 

  આપન તો રીતે રહે, દે ઔરનકો બોધ.

માયા એવી શંખણી છે કે જે સાધુ જેવા બની લોકને તેનામાં નહિં ફસાવા બોધ આપતા હોય છે, પણ પોતે માયાને આધિન રહી વર્તતા હોય છે. જેની પોતાને જ ખબર હોતી નથી.

(૧૧૬) સંસારીસે પ્રીતડી, સરે ન એકો કામ,

દુબધામેં દોનોં ગયે, માયા મીલી ન રાખ.

સંસારમાં જ મન પરોવી, તેમાં જ પ્રીત રાખવાથી તારૂં આલોક કે પરલોકનું એકેનું કામ સરવાનું નથી. એ માયા (આ સારૂં કે પેલું સારૂં)ની દુગ્ધામાં નથી તને માયા મળવાની, કે નથી પરમાત્મા રામ મળવાનો. એમ તું નહિં અહિંયાનો નહિં ત્યાંનો થઈ રહેશે.

(૧૧૭) માયાકો માયા મિલે, લંબી કરકે પાંખ,

નિર્ગુનકો ચિને નહિં, ફૂટી ચારોં આંખ.

માયાની ઈચ્છા કરવાવાળાને માયા, તેની લાંબી પાંખે ઉડી આવી વળગે છે. તેનાથી એવાઓની ચારે આંખો (બે બહારની અને બે અંદરની વિવેક વિચારની) ફૂટેલી છે. તેને લીધે તેવાઓને તે નિર્ગુણ તત્વને જાણવાની સુઝ આવતી નથી. આ

(૧૧૮) ગુરૂકો ચેલા બિખ દે, જો ગાંઠી હો દામ,

પુત પિતા કો મારસી, યેહ માયાકે  કામ.

એ માયાનાં એવાં કામ છે કે, ચેલો પૈસાના લોભ થકી પોતાના ગુરૂને ઝેર આપે છે. અને દિકરો પોતાના પિતાને મારી નાંખે છે. એમ એ માયામાં ફસાયેલા ન કરવાના અણઘટતા કામો કરે છે. માટે તું ચેતી જા.

(૧૧૯) જે માયા સંતો તજી, મુંઢ તાહિ લલચાય,

   નર ખાય કર ડારે તો, સ્વાન સ્વાદ લે ખાય.

જેમ માણસો પોતાને ખાતાં વધેલું એંઠું બહાર ફેંકે છે, તેને કુતરાં સ્વાદ કરી રાજીથી ખાય છે. તેમ જે માયા સાધુ સંતોએ ત્યજી દીધી છે, તેને મોહ-માયામાં સપડાયેલા મુંઢ માણસો રાજી ખુશીથી લાલચના માર્યા વળગે છે. અને તેમાં જ રાચતાં જીવન બરબાદ કરે છે.

(૧૨૦) માયા હય દો પ્રકારકી, જો કોઈ જાને ખાય,

 એક મિલાવે રામકો, એક નર્ક લે જાય.

માયાના બે પ્રકાર છે, એક તો તેને સારી રીતે સમજી લઈ, તેને એવો વળાંક આપે કે જેથી તે પરમાત્માને મેળવી આપે. અને બીજો પ્રકાર છે, તેને વશ થવાથી તે તને નર્ક અર્થાત્ ચોર્યાસી લાકના ફેરામાં ધકેલી આપે છે.

(૧૨૧) ઉંચે ડાલી પ્રેમકી, હરિજન બેઠા ખાય,

નીચે બેઠી વાઘની, ગિર પડે સો ખાય.

ઉંચે પ્રેમની ડાળ પર બેઠેલો હરિજન ભોજન કરે છે. પણ જો એનાથી એ ડાળ છૂટી ગઇ ને નીચે પડ્યો તો નીચે બેઠેલી વાઘણ એને ખાઈ જશે. સારાંશ કે જેણે મનને આત્મજ્ઞાન તરફ વાળેલું છે, અને ભાગ્ય પ્રમાણે જે મળે તેમાં રાજી છે તેવા પણ જો સાવચેત ન રહે અને ઈચ્છાને વશ થઈ જતાં, માયાના વશમાં આવી પાછો ચોર્યાસીના ફેરામાં લાગી જાય છે.

(૧૨૨) માયા દાસી સંતકી,સાકુન્થકે સિર તાજ,

  સાકુન્થકી શિર માનની, સંતો સેહતી લાજ.

માયાને સાધુ સંતો દાસી બનાવી દે છે, અને તેને તાબામાં રાખે છે. પણ અજ્ઞાની કુંઠિત બુદ્ધિવાળાને તો તેના માથાનો તાજ છે, તેની બહુ જ માનીતી હોય છે. જ્યારે તે માયાને સંતો નજીક જતાં લાજ આવે છે.

 

(૧૨૩) કબીર! માયા ડાકની, સબ કોઈકો ખાય,

દાંત ઉપાડે પાપની, જો સંતો નેડી જાય.

કબીરજી કહે! માયા એવી ડાકણ છે કે જેઓ તેનામાં મોહાય છે, તે બધાને તે ખાય છે એટલે કે નાશ કરે છે. પરંતુ સંતો, જેમનું મન હરિમાં રમી રહેલું હોય છે તેઓ તરફથી માયા પાપણી દાંત ઉપાડી લે છે.

(૧૨૪) એક હરિ એક માનિની, એક ભગત એક દાસ,

દેખો માયા ક્યા કિયા, ભિન્ન ભિન્ન કિયા પ્રકાશ.

એક માયા ઈશ્વરની છે અને એક માયા માનવિની છે, એટલે કે વિષયોની છે. જે ઈશ્વરની માયાને પકડે તે પરમાત્માનો ભક્ત બને છે, જે વિ,ય-માયાને વળગે છે તે માયાનો દાસ થાય છે. આવા અનેક પ્રકારના જાત જાતના માયાના દેખાવો છે.

(૧૨૫) માયા દીપક નર પતંગ, ભ્રમે ભ્રમે પડંત,

     કહે કબીર ગુરૂ જ્ઞાનસે, એકાદા ઉબરંત.

માયા (મનને ગમતી, ઈંદ્રિયોથી ભોગવવાની વસ્તુ) ના દિવા ઉપર મનુષ્ય પતંગીયું, જાત જાતની ભ્રમણામાં ઘેરાઈ તેના ઉપર તૂટી પડે છે, અને જેમ પતંગીયું દિવા ઉપર પડી સળગી મરે છે, તેમ મનુષ્યો માયામાં ઘેરાયા પછી દુઃખી થઈ મનમાં બળીને મોતને શરણ થાય છે. પણ કબીરજી કહે છે કે સદગુરૂના જ્ઞાન થકી કોઈક એકાદ ઉગરી જાય છે.

(૧૨૬) કબીર! માયા પાપની, લોભે લોભાયા લોગ,

   પુરી કાહે ન ભોગવે, વાંકો એહિ વિયોગ.

કબીરજી કહે! એ માયા પાપીણીના લોભે લોભાઈ લોકો એને કોઈ પણ પૂરી ભોગવી શક્યા નથી. છેલ્લે તેના વિયોગના દુઃખમાં અહિંથી ચાલી જવું પડે છે.

(૧૨૭) તૃષ્ણા સિંચે ના ઘટે, દિન દિન બઢતે જાય,

  જવાસાકા રૂખ જ્યું, ઘને મેઘ કમલાય.

જેમ જુવારના છોડ વધારે પડતા વરસાદથી કરમાય જાય છે. તેમ તૃષ્ણાને વધુ ને વધુ ભોગવવાથી જુવાર જેમ તું પણ કરમાય જશે.

(૧૨૮) કામી અમૃત ન ભાવહિ, બિખ્યા લિની શોધ,

     જનમ ગમાયા ખાધમેં, ભાવે ત્યું પરમોઘ.

કામી એટલે જેનું મન હું, મને અને મારૂં ને લગતા વિષયોના વિચારોમાં જ ભમતું હોય, એવાઓ જાતે પોતે જાણી જોઈને વિષ અર્થાત્ ઝેર પોઈઝનની પૂંઠે પડેલા છે. એવાઓને પરમાત્મા તત્વનું અમૃત એટલે જેનો કદી નાશ નથી તે વસ્તુ ભાવતી નથી. એવાને કામ વાસના બહુ જ ગમતા હોય, તેમાં જ ચકચૂર રહિ અતિ દુર્લભ એવો મનુષ્ય જનમ બરબાદ કરે છે.

(૧૨૯) એક કનક અરૂ કામિની, બિખ્યા ફલકુ ખાય,

     દેખત હિ સે બિખ ચઢે, ખાયે તે મર જાય.

કમક એટલે ધન દોલત અને બીજું કામીનીનો ભોગ એ બેની પાછળ અંધની માફક પડનારને ઝેરી ફળ જ ખાવું પડશે. જેને ફક્ત જોવાથી જ મનને ઝેર ચઢે છે, તો તેને ખાય એટલે તેને ભોગવવામાં તલ્લીન થઈ જાય, તે જાણી જોઈને પોતાના નાશને નોતરે છે.

 

(૧૩૦) સાંધે ઈંદ્રિય પ્રબલકુ, જેઈસેં ઉઠે ઉપાધ,

 મન રાજા બહેંકાવતે, પાંચો બડે અસાધ.

ઈંદ્રિયો એટલી બધી પ્રબળ છે, કે તે તને જોર કરી ખેંચી જવા માંગે ત્યારે જ તેના ઉપર કાબુ મૂકી તેને તાબામાં રાખજે. નહિંતર મન રાજા જો તેનામાં બ્હેકી ગયો તો તે પાંચે પર કાબુ મુકવો અસાધ્ય છે.

(૧૩૧) માયા માયા સબ કોઈ કહે, માયા લખે ન કોય,

જો મનસે ના ઉતરે, માયા કહિયે સોય.

બધા જ માયા માયાની બુમો મારે છે, પણ માયાને કોઈ જાણતું કે જણાવી શક્તું નથી. ઉપરથી બધા વિષયો છોડ્યા હોય, છતાં મનમાં તેના પ્રત્યેનું ખેંચાણ ગયું ન હોય, તો જાણવું કે એ માયા છે.

(૧૩૨)  માયા છોરન સબ કોઈ કહે, માયા છોરી ન જાય,

      છોરનકી જો બાત કરે, તો બહોત તમાચા ખાય.

       માયા છોડી દેવાની બધા વાતો કરે છે, તે વાતો થકી માયા છોડી શકાતી નથી. અને જેઓ ફક્ત મોઢેથી જ માયા છોડવાની વાતો કરતા હોય છે, તેવાઓ માયાના તમાચા વધારે ખાતા હોય છે.

(૧૩૩)  મન મતે માયા તજી, યું કર નિકસા બહાર,

લાગી રહી જાની નહિં, ભટકી ભયો ખુંવાર.

       મેં માયા છોડી દીધી છે, એવું મનથી માની લઈ, જે કોઈ ઉત્સાહમાં આવી ઘર સંસાર છોડી એકાંત વાસ કરે છે. પરંતુ ઉંડે તો તે મનમાં ઉંડે સંતાયેલી હોય છે, જેની તેને ઉપરથી ખબર નથી. તેવાઓ ફોકટમાં ભટકી ભટકી ખુંવાર થાય છે.

(૧૩૪) માયા તજી તો ક્યા ભયા, માન તજા નહિં જાય,

    માને બડે મુનીવર ગલે, માન સબનકો ખાય.

       માયા છોડી અર્થાત્ ઈંદ્રિયોથી વિષયો ભોગવવાનું છોડી દીધું છે, પણ માન મેળવવાનું તો છોડી શક્યા નથી. એ માનના ગુમાનમાં મોટા મોટા મુનિવરો પણ ગબડી પડ્યા છે. તેથી માનની માયા સર્વને ખાય છે.

(૧૩૫) માન દિયો મન હરખ્યો, અપમાને તન છીન,

   કહે કબીર તન જાનીએ, માયામેં લૌ લીન.

       માન મળે ત્યારે મન હરખાય છે, અને અપમાન મળે ત્યારે મન ગુસ્સો કરી તનથી પણ તંગ થઈ જાય છે. કબીરજી કહે કે જ્યારે આવું બને ત્યારે સમજવું કે તે માયામાં સારી રીતે સપડાયેલો છે.

(૧૩૬)  માન તજા તો ક્યા ભયા, મનકા મતા ન જાય,

    સંત બચન માને નહિં, તાકો હરિ ન સોહાય.

       ઉપર ઉપરથી મોટાઈ બતાવવાનું છોડી દઈ, પુરવાર કરવા માંગે તેણે માનપાનથી તજી દીધા છે. તેથી શું થઈ ગયું? તેવાઓનાં મનમાં છુપાયેલો મોટાઈનો ખ્યાલ તો દૂર થયેલો નથી. અને તેને લીધે સંતોના વચનો જે તેને પરમાત્મજ્ઞાન તરફ લઈ જાય છે તેને માનતી નથી, તેથી તેવાઓને હરિની સમજ પડતી નથી, તેઓ હજુ માયાના જ ગુલામ છે.

(૧૩૭) માયા છાયા એક હય, જાને બિરલા કોય,

 ભાગે તાકે પિછે પરે, સનમુખ આગે હોય.

       માયા અને પડછાયો એક સરખા છે. માણસ દોડે કે ચાલે, પડછાયો પણ તેની આગળ કે પાછળ ફરતો જ હોય છે, પણ તે હાથ આવતો નથી. એમ માયા તેની સાથે જ રહેલી છે, જેનો ભેદ કોઈ વિરલા જ જાણે છે.

(૧૩૮)  માયા સમી ન મોહિની, મન સમા નહિં ચોર,

હરિજન સમા ન પારખુ, કોઈ ન દીસે ઓર.

       માયા સરખી મોહિની (એટલે કે લલચાવનારી શક્તિ) બીજી કોઈ નથી. મન સરખો કોઈ ચોર નથી. આ સાચી વસ્તુને પારખનાર જ્ઞાની હરિજન સરખો બીજો કોઈ દેખાતો નથી.

(૧૩૯)  માયાસે કો મત મિલો, સબ બહેંલા દે બાંય,

નારદ સા મુની ગલા, તો કહાં ભરોસા તાય.

       કોઈ પણ માયાને મેળવવાની મતી કેળવશો નહિં, તે તરેહ તરેહના લોબ બતાવશે તેથી ચેતી જઈ તેના તરફથી મનને ખેસવી લેજે. કારણકે નારદ જેવા મુની જેમાં ફસાઈ ગયા, તો ત્યાં તારો શું ભરોસો?

(૧૪૦)            સાંકળ હું તે સબ હય, યેહ માયા સંસાર,

    સો ક્યું છુટે બાપરે, જો બાંધે કિરતાર.

       આ માયાના સંસારમાં બધું જ હું ને મારૂંની સાંકળ વડે બાંધી દીધું, તેમાં સાથે કિરતારને પણ બાંધી દીધો છે. તો એને વગર વાપર્યે તું કેવી રીતે છુટી શકશે?

(૧૪૧) છોરે બિન છુટે નહિં, છોરનહારા રામ,

    જીવ જતન બહોતરી કરી, પર સરે ન એકો કામ.

       એનાથી છોડવવા વાળો તો તે રામ જ છે, પણ તું જ તે માયાને છોડવાનો વિચાર કરે તો છુટેને! તેને જીવ જેટલા બહુ જ હેતથી સાચવે છે, તો પછી તારૂં એકે કામ સરવાનું નથી. કારણ એ તો રહેશે, પણ તું નહિં રહેશે.

(૧૪૨) કબીર માયા મોહિની, જૈસી મીઠી ખાંડ,

સદગુરૂ કૃપા ભઈ, નહિં તો કરતી ભાંડ.

       કબીરજી કહે માયાનો મોહ મીઠી સાકર જેવો છે. મારા પર સદગુરૂની કૃપા થવાથી હું બચી ગયો, નહિં તો મને પણ ફસાવી દેતે.

(૧૪૩) ભલ ભલા જો ગુરૂ મિલા, નહિ તો હોતી હાણ,

   દિપક જોત પતંગ જ્યું, પડતા પુરી જાન.

       ભલું થયું કે મને સદગુરૂ મળી ગયા, નહિંતર જેમ પતંગિયું દિવો જોઈને તેના પર બેસવા જતાં પોતાનો જાન ગુમાવે છે, તેમ હું પણ માયાના મોહમાં પડી નાશ પામતે.

(૧૪૪)            કબીર! માયા ડાકણી, ખાયા સબ સંસાર,

  ખાઈ ન શકે કબીર કો, જાકે રામ આધાર.

       કબીરજી કહે છે! હું જોઉં છું કે એ માયા ડાકણ આખા સંસારને ખાઈ રહી છે. કબીરને ખાઈ નથી શકતી કેમકે તેને રામનો આધાર છે.

(૧૪૫)            કબીર! જુગકી ક્યા કહું, ભવજળ ડૂબે દાસ,

    પાર બ્રહ્મ પતિ છાંડકે, કરે દુનિકી આશ.

       કબીરજી કહે! આ જમાનાની શું વાત કરૂં? આ બધાં ચોર્યાસી લાખના ભવજળમાં ડુબકી મારી રહ્યા છે, છતાં પરબ્રહ્મ જેવો સ્વામી છોડીને, આ દુનિયાની માયાની આશા રાખે છે.

(૧૪૬) કબીર! યે સંસાર કો, સમજાવું કંઈ બાર,

    પૂંછ જ પકડે ઘૈરકી ઉતર્યા ચાહે પાર.

       કબીરજી કહે! હું આ સંસારના લોકોને કેટલીયે વાર સમજાવી ચુક્યો છું, કે તમે આ ઘરીયલ એટલે મગર સ્વરૂપ માયાનું પુછડું પકડી, સંસાર સાગરને પાર કરવા માંગો છો, તો તે કેમ બનશે?

(૧૪૭)            જો તું પડા હૈ ફંદમેં, નિકસેગા ક્યું અંધ,

 માયા મદ તોકું ચઢ, મત ભુલે મત મંદ.

       અરે ઓ મંદ મતિવાળા! તું વિષયોના ફંદમાં ફસાવાથી, તેની માયાના મદનો કેફ તને એટલો બધો ચઢી ગયો છે, કે તારી વિચાર કરવાની બુદ્ધિ પણ કામ નથી કરતી. હવે એટલું તો વિચાર કે એમાંથી તને શું મળવાનું છે.

(૧૪૮) માયા બડી હય ડાકની, કરે કાલકી ચોંટ,

       કોઈ હરિજન ઉંબરા, પાર બ્રહ્મકી સોટ.

       માયા એ બહુ જ મોટી ડાકણ છે, સર્વને કાળના મુખમાં તે ધકેલી દે છે. કોઈ વિરલા હરિજન એટલે કે હરિનું જ્ઞાન મેળવી ચુકેલા, તે કાળનો ઉંબરો વટાવી પરબ્રહ્મની સોડમાં પહોંચી ગયા છે.

 

           

One Response to “માયા વિષે – (૩) – (૧૦૪ – ૧૪૮)”

  1. puthakkar Says:

    કબીરજીની વાણીને ગુજરાતીમાં સરળ સમજૂતી સાથે રજૂ કરનારને દિલથી સલામ.

    અભિનંદનીય કાર્ય અહીંયા મૂકતા પહેલાં કેટલું બધુ ટાઇપીંગ કામ કરવું પડે તેનો તાગ લગાવતા જ થાકી જવાય.

    અને જેઓ ગુજરાતી માટે પ્રમુખ પેડ કે વિશાલ ના પેડ નો ઉપયોગ કરે તેમના માટે તો કદાચ આ કાર્ય અશક્ય સમાન છે.

    મને ખ્યાલ છે ત્યાં સુધી કબીરજી અંગેની સ્વતંત્ર વેબસાઇટ પણ આટલી બધી ચોપાઇઓ પૂરી પાડતી નથી. અને તે પણ ગુજરાતીમાં સરળ સમજૂતી સાથે.

    આ ટાઇપકામ કરનાર કોણ છે; તે હં જાણુ છુ. તે હિચિન, યુ.કે. ના શ્રી કાંતિલાલ પરમાર છે. ૭૦ વર્ષથી વધારે વયના મૂળ સુરત બાજુના ગુજરાતી વડીલ ગુજરાતી ભાષાની જે સેવા કરે છે તેમની નોંધ આ જગ્યાએ લેવી જ જોઇએ.

    શ્રી કાંતિલાલજીએ કબીરજીને એક વાર જીવતા કરી દીધા છે. કબીરજીનો દેહ આ જગમાં નથી. પણ કબીરજીની દુનિયાને જોવાની રીત હાજર છે. એ રીતે આ માધ્‍યમ થકી કબીરજીને વંદન.

    શ્રી કાંતિલાલ પરમારને દિલથી સલામ. ઇન્‍ટરનેટ મારફત ગુજરાત અને ગુજરાતી ભાષાની સેવા કરીને આ સાહિત્ય વિશ્વ કક્ષાએ મૂકનાર મુરબ્બીને વંદન સહીત આદર.

Leave a comment