સ્મરણ વિષે – (૮) – (૨૨૫ – ૨૮૦)

                   

સ્મરણ વિષે – (૮) (૨૨૫ – ૨૮૦)

(૨૨૫) સુમરનસે સુખ હોત હય, સુમરસે દુઃખ જાય,

 કહે કબીર સુમરન કિયે, સ્વામિ માંહિ સમાય.

       પરમાત્માનું સ્મરણ કરવાથી સુખી થવાય છે, તેમજ દુઃખી થતા હોય ત્યારે પણ તેનું સ્મરણ કરે તો દુઃખ દૂર થાય છે. તેથી કબીરજી કહે છે કે પરમાત્માને હર હમેશ યાદ કરી સ્મરણ ચાલુ રાખશો, તો તમે તે સ્વામિમાં સમાઈ જશો.

(૨૨૬) કબીરા સુમરન સાર હય, ઓર સકલ જંજાળ,

   આદી અંત સબ શોધીયા, દુજા દીસે કાલ.

       કબીરજી કહે! હરેક વસ્તુનો સાર પરમાત્મા છે, એનું સ્મરણ કાયમ રહેવું જોઈએ. બાકી આ બધી જંજાળ છે, એ સર્વની શોધ કરી તો તે બધાં આદી ને અંત વાળાં છે. જે એકથી બીજું છે તે હમેશા કાળને વશ છે.

(૨૨૭) કબીરા નિજ સુખ રામ હય, દુજા દુઃખ અપાર,

   મનસા બાચા કર્મના, નિશ્ચય સુમરન સાર.

       કબીરજી કહે! પોતાનું નિજ સ્વરૂપ તે રામ એટલે કે બ્રહ્મ છે. તેનાથી બીજું જુદું જણાવું તે પાર વગરના દુઃખનું કારણ છે. તેથી મનથી, વાણીથી અને કર્મથી જે કંઈ કરો ત્યારે આ બ્રહ્મ સ્વરૂપ સ્મરણમાં રહે તેનો પાકો નિશ્ચય કરજો.

(૨૨૮) રામ નામકે લેત હિ, હોત પાપકા નાશ,

 જૈસી ચન્ગિ અગ્નિકી, પડી પુલાને ઘાસ.

       જેમ ફક્ત અગ્નિની નાનીશી ચિન્ગારી ઘાસના પુળાને સળગાવી બાળી મૂકે છે. તેમ રામનું નામ લેતાની સાથે એટલે કે પોતાનું નિજી સ્વરૂપ બ્રહ્મનું સ્મરણ થતાંની સાથે તારા બધાં પાપોનો નાશ થઈ જશે.

(૨૨૯) નામ જો રતી એક હય, પાપ જો રતી હજાર,

  એક રતી ઘટ સંચરે, જાર કરે સબ છાર.

       તમે હજારો પાપો કર્યા હોય, છતાં જો તમે વખતસર ચેતી જઈ સદગુરૂ પાસેથી તે એકનું જ્ઞાન મેળવી લીધું હોય તો તે સર્વ પાપોનાં દુઃખોનો નાશ થશે.

(૨૩૦) રામ નામકી ઔષધિ, સદગુરૂ દિયે બતાય,

 ઔષધ ખાય પચી રહે, તાકે બેદ ન જાય.

       રામ નામનું ઔષધ, તારી લાયકાત મુજબ સદગુરૂ  તને બતાવશે. તે ઔષધ ખાઈ તું તેને પચાવી શકશે તો તારી બધી વેદનાનું દુઃખ નાશ પામશે. અર્થાત્ સદગુરૂ પોતાના શિષ્યને જે આત્મજ્ઞાન બતાવે તેને શ્રવણ, મનન, નિદીધ્યાસન અને ચાર સાધનો થકી તેનો જાતે પોતે અનુભવ કરી લે, તેની સર્વ વેદના ચાલી જતાં તે નિર્ભય થાય છે.

(૨૩૧) સબ મંત્રકા બીજ હય, રામ નામ તત્સાર,

 જે કો જન હિરદેં ગરેં, સો જન ઉતરે પાર.

       રામ નામ જે તત્વનો સાર છે, તે જ સર્વ મંત્રોનું બીજ છે. જેના હ્રદયમાં તે તત્વ ઉતરી વસી જાય, તે જન આ ભવ સાગરને જીવતાં જીવત પાર કરી જાય છે.

(૨૩૨) રામ કહો મન વશ કરો, એહિ બડા હય અર્થ,

    કાહેકો પઢ પઢ મરોં, કૌટહિ જ્ઞાન ગહન્થ.

       તું કોટી જ્ઞાનનાં ગ્રન્થો વાંચી વાંચી શા માટે મહેનત કરી દુઃખી થઈ મરે છે, તેના કરતાં તારા મનને વશ કરી, રામનો ખરો અર્થ સમજી તે નામ તું લેશે તો તારૂં કામ થઈ જશે.

(૨૩૩) જીને નામ લિયા ઉને સબ કીયા, સબ શાસ્ત્રકા ભેદ,

    બિના નામ નર્કે ગયે, પઢ પઢ ચારો વેદ.

       જેણે રામનું નામ લીધું એટલે કે નામ સ્મરણ બરોબર સમજી ગયો હોય, તે બધા શાસ્ત્રોનો ભેદ પામી જઈ ભવપાર થઈ જાય છે. પણ જે સાર સમજ્યા વગર ચારો વેદ ભણી ભણી પંડિત થયો હોય તેને તો નર્કે જવું પડશે, એટલે કે તે ફરી ફરીને આ ભવચક્રમાં આવી પડશે.

(૨૩૪) એકહિ શબ્દમેં સબહિ કહા, સબહિ અર્થ બિચાર,

ભજીયે કેવળ રામકો, તજીયે બિષયહિ બિકાર.

       એક જ શબ્દમાં મેં તને બધું જ કહી દીધું, એના બધા જ અર્થો પર સારી રીતે વિચાર કરી, વિષય વિકારોને છોડી, તું તે રામ શબ્દમાં તારી લગની લગાડજે, એટલે કે રામને ભજજે.

(૨૩૫) કબીરા હરિકે નામસે, કૌટ બિઘન ટળ જાય,

    રાઈ સમાન બસુદરા, કૈટેક કાષ્ટ જણાય.

       કબીરજી કહે! રાઈ જેટલી અગ્નિની ચિનગારીથી કેટલા બધા લાકડાંનો જથ્થો બળીને રાખ થઈ જાય છે. તેમ એક જ હરિના નામનો સારી રીતે સમજી વિચારી જાપ કરશે, તો તારાં કરોડો અર્થાત સર્વ દુઃખોનો નાશ થશે.

(૨૩૬) સુખમેં સુમરન ના કરે, દુઃખમેં કરે સબ કોય,

સુખમેં જો સુમરન કરે, તો દુઃખ કહાં કે હોય.

       સુખી હોય ત્યારે કોઈ પણ મનુષ્ય પરમાત્માને યાદ નથી કરતો, અને જ્યારે દુઃખ આવી પડે ત્યારે તેને યાદ કરી તેની મદદ માંગે છે. પરંતુ સુખમાં તેને યાદ કરી સદબુદ્ધિથી વિચારીને વર્તે તો દુઃખ છે જ ક્યાં? કે તે તને દુઃખ આપે.

(૨૩૭) સુખમેં સુમરન ના કરે, દુઃખમેં કરે જો યાદ,

    કહે કબીર તા દાસકી, કૌન સુને ફરિયાદ.

       સુખમાં હોય ત્યારે કોઈ પરમાત્માનું સ્મરણ કરતું નથી, અને દુઃખ આવી પડે ત્યારે તેને યાદ કરે છે. કબીરજી કહે! તું વિષય વાસનાનો દાસ થઈ સુખની ખાતર ન કરવા જેવા કર્મો કર્યા છે, પછી જે દુઃખ આવે તેની ફરિયાદ કોણ સાંભળશે?

(૨૩૮) બિપત્તભલી હરિ નામ લેત, કાયા કસોટી દુઃખ,

  રામ બિનાં કિસ કામકી, માયા સંપત સુખ.

       વિપત્તિ આવે તે સારૂં છે કે જેથી આપણને પરમાત્મા યાદ આવે છે. અને તેના દુઃખથી તનમનની કસોટી થાય છે. રામ વિના અર્થાત પરમાત્માનું જ્ઞાન મેળવ્યા વિના માયામય સુખ સંપત્તિ જે નાશને પાત્ર છે, તે પરમાર્થમાં શું કામ આવવાનાં હતાં?

(૨૩૯) હરિ સુમરન કોઢી ભલા, ગલી ગલી પડે ચામ,

     કંચન દેહ જલાય દે, જો નહિં ભજે હરિ નામ.

       માણસને કોઢ અર્થાત પંત Leprosy નો રોગ થવાથી તેની ચામડી ગળી પડતી હોય, છતાં તે પરમાત્માને સમજીને તેનું નામ લેતો હોય તે ભલો માણસ છે. પણ જે તવંગર તંદુરસ્ત માણસ સમજ પુર્વક હરિનું સ્મરણ નહિં કરે, તેવાની સોના જેવી કાયા હોવા છતાં લોકો તેની કાયાને સળગાવી બાળી મૂકશે.

(૨૪૦)      જા ઘર સંત ન સેવિયા, હરિ કો સુમરન નાહે,

    સો ઘર મરહટ સરિખા, ભુત બસોં તે માંહે.

       જે ઘરમાં સાધુ સંતનું સેવન અને હરિનું સ્મરણ થતું નથી, તે ઘર ભુત પિશાચોનો વાસો  હોય તેવા સ્મશાન સરખું છે. એટલે કે આ અવતારના તનમન થકી સદગુરૂ જેવા સંત પાસેથી પરમાત્મા વિષે જાણી લઈ, તેનું સ્મરણ થતું ન હોય, તો તેવાનાં તનમન ભુત પલીતોનાં વાસ વાળું સ્મશાન જ છે.

(૨૪૧) રામ ના તો રતન હય, જીવ જતન કરી રાખ,

જબ પડેગી સંકટી, તબ રાખે રઘુનાથ.

       રામ નામ તો એક અમુલ્ય રતન એટલે કે મણી છે. તેને જીવનું જતન કરે છે તેમ સાચવજે. જ્યારે સંકટ આવી પડે, ત્યારે તને રામના મર્મની સાચી સમજણ હોવાથી તે તને બચાવી લેશે.

(૨૪૨) જબ જાગે તબ રામ જપ, સોવત રામ સંભાર,

     ઉઠત બેઠત આત્મા, ચાલત હિ રામ ચિતાર.

       જ્યારે જાગતો થાય ત્યારે રામનો જાપ કરજે, સુતી વખતે પણ રામનું સ્મરણ કરીને સુજે. એમ ઉઠતાં, બેસતાં, ચાલતાં અને દરેક કામ કરતાં, તારા મનમાં તે આત્મારામનું ધ્યાન ચાલુ રાખજે.

(૨૪૩) જીતને તારે ગગનમેં, ઈતને શત્રુ હોય,

કૃપા હોય શ્રીરામકી, તો બાલ ન બાંકો હોય.

       આસમાનમાં જેટલા તારા છે તેટલા તારા શત્રુ એટલે દુશ્મન હોય. છતાં તારૂં ચિત્ત રામ સ્મરણમાં લાગેલું હશે તો તે શત્રુઓ તારો વાળ પણ વાંકો ન કરી શકે.

(૨૪૪)      જો કોઈ સુમરન અંગકો, પાઠ કરે મન લાય,

ભક્તિ જ્ઞાન મન ઉપજે, કહે કબીર સમજાય.

       કબીરજી સમજાવી કહે છે, જે કોઈ પરમાત્માનો મંત્ર મોઢે કરી, તેને મનથી સારી રીતે વિચારે તેના મનમાં જરૂર જ્ઞાનની ભક્તિ ઉપજશે.

(૨૪૫)      જપ તપ સંયમ સાધના, સબ સુમરનકે માંહિ,

   કબીર જાને યા રામજન, સુમરન સમ કછુ નાંહિ.

       જપ તપ સંયમ સાધના વગેરે પરમાત્મ સ્મરણમાં આવી જ જાય છે. કબીરજી અને રામજન એટલે જ્ઞાની સંતો જાણે છે કે પરમાત્મ જ્ઞાનના સ્મરણની તોલે કંઈ જ નથી.

(૨૪૬) સહકામી સુમરન કરે, પાવે ઉત્તમ ધામ,

   નિષ્કામી સુમરન કરે, પાવે અવિચળ નામ.

       કામના અર્થાત બદલાની આશા વાળા સ્મરણ કરે તેને કોઈક ઉંચું પણ વિનાશી સ્થળ મળે ખરૂં. પણ જે નિષ્કામ ભાવે પરમાત્મા સ્મરે તેને તો અવિચળ સાર પ્રાપ્ત થઈ જાય છે.

(૨૪૭)      પથ્થર પુંજે હરિ મિલે, તો મેં પુંજું ગિરિરાય,

સબસે તો ચક્કિ ભલી, કે પિસ પિસકે ખાય.

       પથ્થરની મુર્તીને પુજવાથી જો ભગવાન મળતો હોય તો, હું મોટામાં મોટા પર્વતની પૂજા કરૂં. પણ એમ કંઈ હરિ એટલે પરમાત્મા મળતો નથી. તેનાથી પથ્થરની ઘંટી સારી કે તે થકી લોકો અનાજ દળી પોતાનું પેટ ભરે.

(૨૪૮) દેહ નિરંતર દેહરા, તામેં પ્રત્યક્ષ દેવ,

રામ નામ સુમરન કરો, કહાં પથ્થરકી સેવ.

       તારૂં શરીર એજ તારી તદ્દન નજીકનું દેવાલય છે. તેની અંદર પ્રત્યક્ષ પરમાત્મા દેવ બેઠો છે, તેને સારી રીતે ઓળખી લઈ, તે રામનું હંમેશાં સ્મરણ કર. પથ્થરની મૂરતીની પૂજા કે સેવાથી તારૂં શું વળવાનું.

(૨૪૯) પથ્થર મુખ ના બોલહિ, જો શિર ડારો કુટ,

રામ નામ સુમરન કરો, દુજા સબહિ જુઠ.

       તું તારૂં માથું અફાળીને ફોડી નાંખશે તો પણ તે મુર્તિ જે પથ્થરની છે તે તેના મુખથી બોલવાની નથી. માટે તું રામ એટલે પરમાત્માનું સ્મરણ કરજે, કે જેથી તું સમજી જશે કે આ એકથી જે બીજું જણાય છે, તે સર્વ જુઠું છે.

(૨૫૦)      કુબુદ્ધિકો સુઝે નહિં, ઉઠ ઉઠ દેવલ જાય,

દિલ દેહેરાકી ખબર નહિં, પથ્થર તે કહાં પાપ.

       ખોટી દિયાનતવાળા બુરી બુદ્ધિવાળા માણસોને સાચી સુઝ એટલે કે સમજવાની શક્તિ જ હોતી નથી. તેવાઓ થોડા થોડા વખતે દેવલ અર્થાત મંદિરે દોડતા ફરે છે. જેને પોતાનો  દેહ જે મંદિર સમાન છે, તેની તો થોડીક પણ ખબર નથી, તેવાઓ મંદિરમાંની પથ્થરની મૂર્તિ પાસેથી શું મેળવવાના હતા?

 

(૨૫૧) પથ્થર પાની પુંજ કર, પચ પચ મુવા સંસાર,

  ભેદ નિરાલા રહ ગયા, કોઈ બિરલા હુવા પાર.

       પથ્થર અને પાણીની પુજા કરી કરીને આ મનુષ્યો સંસાર સાગરમાં તડફી તડફીને ડુબી મરી રહ્યા છે. એ તો કોઈ વિરલાઓ જ તે પરમાત્માનો ભેદ જે નિરાળો છે, તેને જાણી લઈ પાર થઈ ગયા.

(૨૫૨) મક્કે મદિને મેં ગયા, વહાંભી હરકા નામ,

મેં તુજ પુછું હે સખી, કિન દેખા કિસ ઠામ.

       હું મક્કા મદિના જઈ આવ્યો ત્યાં પણ એજ હરીનું નામ લેવાતું છે. તો હું તમે બધા સખી મિત્રોને પુછું છું, કે તેને કોણે જોયો અને કઈ જગ્યાએ જોયો?

(૨૫૩) રામ નામ સબ કોઈ કહે, ઠગ ઠાકોર ઔર ચોર,

 ધ્રુવ પ્રહલાદ સબ તર ગયે, એહિ નામ કછુ ઓર.

       રામનું નામ તો બધા જ લે છે, જેવા કે ઠાકોર અર્થાત રાજા, ચોર અને ઠગારા આજના બગભગત શાહુકારો પણ રામનું નામ પોપટની જેમ બોલે છે. પરંતુ એજ નામ સ્મરણ તકી ધ્રુવ, પ્રહલાદ જેવા બધા આ સંસાર ભવસાગર તરીને પાર ઉતરી ગયા.

(૨૫૪)      શુદ્ધ બિન સુમરન નહિ, ભાવ બિન ભજન ન હોય,

   પારસ બિચ પરદા રહા, ક્યું લોહા કંચન હોય.

       જેમ પારસમણિ અને લોખંડની વચમાં દિવાલ ખડી હોય તો તે લોખંડ કદી પણ સોનામાં ફેરવાતું નથી. તેમ શુદ્ધ નિર્મળ મન વિના પરમાત્માનું સ્મરણ કદી પણ થઈ શકે નહિં. અને સદભાવ વગર તેનું ભજન પણ થઈ શકે નહિં.

(૨૫૫)      સુમરન સિદ્ધિ યું કરો, જૈસે દામ કંગાળ,

કહે કબીર બિસરે નહિ, પલ પલ લેત સંભાળ.

       જેમ ધનવાન જેના ધનની તુલનામાં એક દમડીની કશી પણ કિંમત નથી. અને તે એક દમડી પણ ગરીબને આપી શકતો નથી. પરંતુ પળે પળે તે તેની સંભાળ રાખે છે. કબીરજી કહે છે, તેમજ તું પણ પરમાત્માનું સ્મરણ એવી રીતે સિદ્ધ કર કે પળે પળે તને તેની યાદ ચાલુ રહે, અને જરા પણ વિસરાય નહિં.

(૨૫૬) આ —- બુકમાં આ નથી—-

      

      

(૨૫૭)      જૈસી નૈયત હરામપે, ઐસી હરસે હોય,

  ચલા જાવે વૈકુંઠમેં, પલ્લા ન પકડે કોઈ.

       જેમ મનુષ્યો પરાઈ મિલકત પર, નૈયત અર્થાત્ તેની ઈશ્વરે અર્પેલી દયાનત બગાડી તેને મેળવવા પ્રયાસ કરે છે, અને કર્મ બંધનમાં સપડાય છે. તેમજ જો તું પરમાત્મા પર તારી શુદ્ધ નૈયત રાખશે, તો તને ત્યાં પહોંચી જતાં તને કોઈ પણ અટકાવી શકશે નહિં.

(૨૫૮)      બાહેર ક્યા દિખલાઈયે, અંતર કહિયે રામ,

    નહિ મામલા ખલ્કસેં, પડા ધનિસેં કામ.

       બહારનો દેખાવો કરવાની કોઈ જ જરૂર નથી, તું અંદર અંતઃકરણમાં પરમાત્માનું સ્મરણ હરેક પળે ચાલુ રાખજે. જ્યારે તને ખલ્ક એટલે કે દુનિયાનાં ધણી સાથે જ કામ છે, તો પછી તે દુનિયાના મામલા સાથે તારે શું કામ?

(૨૫૯)      માલા તો કરમેં ફિરે, જીભ ફિરે મુખ માંહિ,

  મનવા તો ચૌદિશ ફીરે, ઐસો સુમરન નાહિ.

       તારા હાથમાં માળા ફરતી હોય, અને મોંમાં જીભ રામ રામ કરતી હોય, છતાં મન જાત જાતનાં વિચારોમાં ચારો દિશામાં ફરતું હોય. આવું તારૂં સ્મરણ એ કંઈ પરમાત્માનું સ્મરણ નથી.

(૨૬૦) સુમરન ઐસો કિજીયે, ખરે નિશાને ચોટ,

  સુમરન ઐસો કિજીયે, હલે નાહિ જીભ હોઠ.

       પરમાત્માનું સ્મરણ એવું કરવું કે જેની ચોટ ખરા નિશાન પર લાગે એટલે કે તારૂં ચિત્ત પરમાત્મા સાથે એક થઈ જાય. અને તે સ્મરણ એવું થાય છે કે જેને માટે જીભ કે હોઠ હલાવવાની જરૂરત નથી.

(૨૬૧) હોઠ કંઠ હાલે નહિ, જીભ્યા ન નામ ઉચ્ચાર,

     ગુપ્ત સુમરન જો ખેલે, સો હિ હંસ હમાર.

       સ્મરણમાં જીભથી મોટા અવાજે નામના ઉચ્ચાર થતા ન હોય, હોઠ કે કંઠ હાલતો ન હોય, એમ શરીર અને મન શાન્ત હોય. એવું ગુપ્ત છાનું સ્મરણ જે કરતો હોય, તે હમારો ખરો હંસ એટલે સંત પુરૂષ છે.

(૨૬૨) અંતર ‘હરિ હરિ’ હોત હય, મુખકી હાજત નાંહિ,

સહેજે ધુન લાગી રહે, સંતનકે ઘટ માંહિ.

       જેના અંતઃકરણમાં અર્થાત્ મનમાં હરિ એટલે કે પરમાત્માનું સ્મરણ કાયમ ચાલુ રહે, છતાં તે મુખથી મોટેથી બોલતો ન હોય, તેવા સંતનાં મનમાં તેની ધુન સહજે જ ચાલુ રહે છે.

(૨૬૩) અંતર જપીયે રામજી, રોમ રોમ રન્કાર,

    સહેજે ધુન લાગી રહે, એહિ સમરન તત્સાર.

       અંતઃકરણમાં રામજીનો જાપ એવો હરહમેશ ચાલતો રહે તો તેનો રણકાર તારા રોમે રોમમાં જાગી ઉઠશે. એમ પરમાત્માની ધુન સહેજ થઈ જશે, ત્યારે તેવા સ્મરણથી તને તત્વનો સાર સમજાય જશે.

(૨૬૪) સુમરન સુરતિ લગાયકે, મુખસે કછુ ના બોલ,

 બાહેર કે પટ દેય કે, અંતર કે પટ ખોલ.

       પરમાત્માના સ્મરણમાં ધ્યાન લગાડી, મુખથી કંઈ પણ બોલવું નહિં. બહારના દરવાજા બંધ કરી, અર્થાત્ મન અને ઈન્દ્રિયોને બહાર ભટકતી અટકાવી, તારા અંતઃકરણના દરવાજા ખોલી દે. એટલે કે તેનામાં જ તારૂં ચિત્ત જોડી દે.

(૨૬૫)      લેહ લાગી તબ જાનિયે, કબુ છુટ ન જાય,

    જીવતહિ લાગી રહે, મુવા માંહિ સમાય.

       પરમાત્માની લેહ લાગેલી છે, તે ત્યારે જણાય છે કે તું તે પરમાત્મા સાથે એક થઈ જાય. તારૂં અને તેનું એકપણું કદી પણ છુટે નહિં, તેમ જ જીવતા જીવત તું તેનામય થઈ રહે, અને મર્યા પછી તેનામાં જ સમાશે.

(૨૬૬) બુંદ સામાના સમુદ્રમેં, જાનત હય સબ કોય,

  સમુદ્ર સમાના બુંદમેં, જાને બીરલા કોય.

       પાણીનું ટીપું સમુદ્રમાં સમાય જાય તે તો સર્વ કોઈ જાણે છે. પણ સમુદ્ર પાણીના ટીપામાં સમાય જાય છે, તે તો કોઈ વિરલા પુરૂષ જ જાણે છે. અર્થાત્ જ્ઞાનીને ખબર પડી ગયેલી છે, કે આ જે બધું જણાતું છે, તે તેની પોતાની જ કરામત છે, બહારનું નથી.

(૨૬૭) ભક્ત દ્વાર હય સાંકડા, રાઈ દસમા ભાય,

 મન હિ જબ રાવત હો રહા, ક્યું કર શકે સમાય.

       પરમાત્માના ભક્ત બનવાનો દરવાજો રાઈના દસમા ભાગ જેટલો સાંકડો છે. જેનું મન જાત જાતનાં જોઈવા વાળા વિચારોથી હાથી જેવડું મોટું થઈ ગયું હોય, તો તેવાઓ પરમાત્માના ભક્તના માર્ગના દરવાજામાં થઈને કેમ કરીને જઈ શકશે?

(૨૬૮) રાઈ બાંતા બિસવા, ફિર બિસનકા બિસ,

  ઐસા મનવા જો કરે, તાહિ મિલે જગદીશ.

       રાઈના દાણાનો વિસમો ભાગ કરો, તે વિસમાનો પણ વિસમો ભાગ કરો. જેઓ મનને એવું ઝીણું કરી શકે એટલે કે એવી ઝીણી આત્મ તત્વ વસ્તુને સમજવા માટેની તેને ગતાગમ આવશે ત્યારે તેને જગદીશનો મેળાપ થઈ જશે.

(૨૬૯) મેરા મન સુમરે રામકો, મનમેં રામ સમાય,

    મનહિ જબ રામ હો રહા, તો શિશ નમાવું કાંય?

       કબીરજી કહે છે, કે મારૂં મન રામના સ્મરણમાં જ રહે છે, અને હવે તો મારા મનમાં રામ સમાય ગયા છે. જ્યારે મારૂં મન જ રામમય બની ગયું છે, ત્યારે મારૂં મસ્તક શા માટે અને કોને નમે?

(૨૭0) કબીર! મન નિશ્ચલ કરો, ગોવિંદકે ગુન ગાય,

નિશ્ચલ બિના ન પાઈયે, કોટિક કરો ઉપાય.

       તેથી કબીરજી કહે છે કે ગોવિંદના ગુણ ગાયને એટલે કે પરમાત્મ તત્વનો વિવેક કરી મનને નિશ્ચલ બનાવો. તેને સ્થિર કર્યા વગર બીજા કરોડો ઉપાયો કરશો તો પણ તું પરમાત્માને પામી શકીશ નહિં.

(૨૭૧) માલા જપું ન કર જપું, મુખસે કહું ન રામ,

 રામ હમેરા હમકો જપે, મેં બેઠા રહું વિશ્રામ.

       હું મારા હાથ અને માળા વડે નથી જાપ જપતો કે મુખથી નથી રામનું નામ લેતો. હવે તો એવું થઈ ગયું છે કે મારા રામ મારા અંતરના સાચા હું ને જપે છે એટલે કે હું ને તે એક થઈ ગયા છે. અને હું બેઠો બેઠો આરામથી તેની મોજ માણી રહ્યો છું.

(૨૭૨) નામ બિસારે દેહકા, જીવ દશા સબ જાય,

જબ હિ છોડે નામકો, સબહિ લાગે પાય.

       પરમાત્માનું નામ એટલે તેનું જ્ઞાન થઈ જતાં, દેહનું હું તરીકેનું ભાન જતું રહે છે. અને મારી જીવ તરીકેની જે દશા હતી તે પણ ચાલી ગઈ છે. આવી હું અને તે એક જ થવારૂપી દશા થવાથી રામનું નામ રટવાનું છુટી ગયું છે, અને સર્વ કોઈ મને (પરમાત્મા સ્વરૂપને) પગે લાગતા આવે છે.

(૨૭૩) રામ જપે અનુરાગસે, સબ દુઃખ ડાલે ધોય,

    બિશ્વાસે તો હરિ મિલે, લોહા કંચન હોય.

       જેમ દુન્યવી વસ્તુમાં અનુરાગ હોય છે, તેમ પરમાત્મા રામનો તેવા અનુરાગથી જાપ કરે, તો તેં જે કર્મો દ્વારા ઉભું કરેલું પાપનું દુઃખ ધોવાઈ જશે. અને એવો પૂરો ભરોસો હશે તો તને જરૂર હરિ મળશે, જેમ લોખંડનું સોનું થઈ જાય તેમ તું પરમાત્મા સ્વરૂપ થઈ જશે.

(૨૭૪)      રામ નામ પુકારતાં, મિટા મોહ દુઃખ દ્વંદ,

મનકી દુબ્ધા તબ ગઈ, જબ ગુરૂ મિલે ગોવિંદ.

       જ્યારે સદગુરૂએ મને ગોવિંદ મેળવી આપ્યો, ત્યારે પરમાત્માનું નામ પોકારતાં મારામાં જે મોહ થકી ઉભા કરેલા દુઃખો હતાં તે સર્વ મટી ગયાં, તેમ જ મારા મનમાં જે દુબ્ધા અર્થાત્ હું અને તેની જે જુદાઈ હતી તે પણ ચાલી ગઈ.

(૨૭૫)      નિશદીન એક પલકહિ, જો કહેવે રામ કબિર,

તાકે જનમ જનમકે, જહેં પાપ શરીર.

       કબીરજી કહે! જે માણસ દરરોજ એક ક્ષણ માટે પણ શુદ્ધ ભાવનાથી પરમાત્મા રામને યાદ કરી નામ કહેશે તો તેના શરીરથી કરેલાં જનમ જનમના પાપો નાશ પામશે.

(૨૭૬) કલ્યુગમેં જીવન અલ્પ હય, કરીયે બેગ સંભાર,

    તપ સાધન કછુ ના બને, તાતે નામ સંભાર.

       કળીયુગમાં હાલની કરૂં કરૂંની બધું જ નવું મેળવવામાં જીવન ઘણું જ ટુંકું થઈ ગયું છે. તેથી તું ઉતાવળ કરી તારાથી તપ કે સાધન કંઈ ન બની શકે, તો તું તે પરમાત્માનું નામ શુદ્ધ સમજથી યાદ કરતો રહેજે.

(૨૭૭)      નામ નૈનનમેં રમી રહા, જાને બિરલા કોય,

    જાકુ મિલીયા સદગુરૂ, તાકુ માલમ હોય.

       જેને સદગુરૂ મળેલા હોય તેવા કોઈ વિરલ સંતને ખબર પડી જાય છે કે આની આંખમાં પરમાત્મા રમી રહ્યો છે.

(૨૭૮) રાજા રાણા ના બડા, બડા જો સુમરે રામ,

     તાહિ તે જન બડો, જો સુમરે નિજ નામ.

       રાજા કે મહારાજા જે ઈશ્વરને પણ ગણતા નથી તેવા લોકો મોટા નથી. તેઓના કરતાં જે સાકાર ઈશ્વરને રામ તરીકે સ્મરતા હોય તે મોટા છે. તે બધાઓથી તે જ મોટો છે કે નિજનામ (નિજાનંદ) એટલે કે પોતાના પરમાત્મા સ્વરૂપના ધ્યાનમાં લીન રહે છે.

(૨૭૯) કબીર! મેં માંગું એ માંગના, પ્રભુ દિજે મોહે સોય,

   સંત સમાગમ હરિ કથા, હમારે નિશદિન હોય.

       કબીરજી કહે! હું પ્રભુ પાસે માંગી માંગીને એટલું માંગું છું કે મને લાયક ગણીને સાધુ સંતોનો સમાગમ, અને તેમના તરફથી પરમાત્માના જ્ઞાનની કથા રાતદિવસ સંભળવા મળે.

(૨૮0) મુગટ જટા માંગું નહિં, ભક્તિ દાન દિજો મોહે,

  ઓર કછુ માંગું નહિં, નિશદિન જાચું તોહે.

       હું પ્રભુ પાસે એટલું જ માંગું છું કે મને ભક્તિ કહેતાં તેની સાથે એક થઈ જવાનું દાન આપજે. મને રાજ્ય કે રાજમુંગટ એવું કશું પણ જોઈતું નથી, હું રાતદિવસ તને જ મેળવવા માંગું છું.

                   

Leave a comment